આ સંસ્થા ૧૯૬૯ માં મોડાસા મુકામે દાતાઓના સહયોગથી શ્રી વાડીલાલ હિરાલાલ ગાંધી કે જે ઓનું મુખ્ય દાન રૂપીયા ૧૫૦૦૦/- હતું તેથી તેમના નામે એક નાના ઓરડામાં ૨૧ વિદ્યાર્થીઓથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી આ સંસ્થાનું સંચાલન લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા સુંદર રીતે કરવામાં આવે છે આજે આ સંસ્થામાં બહેરામુંગા શાળા કે જેમાં ધોરણ ૧ થી ૮ સુધી શિક્ષણ આપવામાં આવે છે તેમાં ૮૦ દીકરા ૪૦ દીકરીઓ કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે જ રીતે લાયન્સ આઈ.ટી.આઈ જે ગુજરાતની પ્રથમ અને એક માત્ર મૂકબધીર બાળકો માટેની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ સંસ્થા સને ૨૦૦૨ માં LCIF લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અમેરિકાના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવી તેમાં ગુજરાત તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે હાલમાં કુલ ૭ ટ્રેડ ચાલુ છે જેમાં ૯૦ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આ બાળકો તેમનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી તેમને છુટા મૂકી દેવામાં આવતા નથી તેમને યોગ્ય વ્યવસાય,નોકરી મળી રહે તે માટેના સંસ્થાના સ્થળ ઉપરજ પ્લેસમેન્ટ કેમ્પ કરવામાં આવે છે આજ સુધીમાં ૧૪૮૫ વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ માંથી અભ્યાસ કરીને ગયેલ છે જેમાંથી ૭૨૦ વિદ્યાર્થી પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે અથવા નોકરી કરે છે અને સરસ રીતે સમાજમાં ઉચ્ચ મસ્તકે આર્થિક રીતે શ્રધ્ધર જીવન જીવી શકે છે.
અમો "દિવ્યાંગ સેવા એજ પ્રભુ સેવા" એ સૂત્ર સાકાર કરવા માટેનું આ બાળકોને પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ અને જેનો લાભ તેઓ બહુ જ સારી રીતે લે છે આ સંસ્થા જ્યારે શરૂ થઈ ત્યારે ફક્ત ૨૧ વિદ્યાર્થીઓ હતા અત્યારે ૧૫૨ ભાઈઓ તથા ૫૮ બહેનો આ સંસ્થામાં રહી તેમનું જીવન ઉજ્જવળ બને તે માટેની તકો ઉપલબ્ધ કરવા માટે અમો કટીબધ્ધ છીએ ફેબ્રુઆરી – ૨૦૨૦ માં આ સંસ્થાનો “સુવર્ણ જયંતિ મહોત્સવ” ઉજવ્યો આ બાળકોની કેપેસીટી એટલી જબરદસ્ત છે તે મોડાસા શહેર તથા આજુબાજુના વિસ્તારના લગભગ ૩૦૦૦ પ્રેક્ષકોની હાજરી માં તેમની કલાનો અદ્ભુત પ્રદર્શન કરી સમગ્ર શ્રોતાજનોનેખુશ કર્યા હતા આ સમયે ઉદાર દાતાશ્રીઓ તરફથી આ બાળકોના વિકાસ માટે બહુ જ સારો આર્થિક સહયોગ સાંપડ્યો હતો જેના આધારે અમો સંસ્થામાં વિવિધ ક્ષેત્રે હાલના સમયને અનુરૂપ એવી શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરી આ બાળકોને તેનો લાભ આપીએ છીએ આ બે સંસ્થાઓ સિવાય મોડાસા શહેરમાં લાયન્સ ક્લબ સોસાયટી એ અનેક સેવાકીય પ્રોજેક્ટો કરેલા છે અને જેથી સમાજમાં એક આગવી છાપ આ સંસ્થાની ઉભી થયેલી છે અમારી સંસ્થાના સર્વે કારોબારી સમિતિના સભ્યો ખભે ખભા મિલાવી આ સંસ્થામાં સુંદર રીતે વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છીએ અને રહીશું અરવલ્લી જીલ્લાની પ્રથમ અને એક માત્ર સંસ્થા છે જેમાં આટલા બધા બાળકો તેમનું જીવન સારી રીતે જીવી શકે તે માટેના આ સંસ્થાએ ઉભા કરેલા પ્લેટ ફોર્મ નો સુંદર ઉપયોગ કરે છે આ સંસ્થાના બાળકો ફક્ત એજ્યુકેશન જ નહી પરંતુ વિવિધ કલ્ચરલ એક્ટીવીટીમાં પણ ખુબ જ પારંગત સાબિત થયેલા છે.
અમારી સંસ્થામાં શાળા તેમજ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની ખેલ મહાકુંભ (સ્પે.દિવ્યાંગ) હરીફાઈમાં દર વર્ષે ભાગ લઈ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ૧ થી ૩ નંબર ના ઇનામો મેળવેલ છે. રાજ્ય ચિત્ર સ્પર્ધા માં નોર્મલ વિદ્યાર્થીઓની સાથે ભાગ લઈને પણ અમારા બહેરા-મુંગા વિદ્યાર્થીઓ દર વર્ષે 1st પ્રાઈઝ મેળવે છે. લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા યોજાતી પીસ પોસ્ટર કોમ્પીટીશનમાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ ભાગ લઈ છેલ્લા ત્રણ વર્ષથી 1st,2nd અને 3rd પ્રાઈઝ મેળવી રહ્યા છે. વધુમાં ગુજરાત સાયન્સ કોગ્રેસ દ્વારા યોજિત સાયન્સ પ્રોજેક્ટ માં અમારી સંસ્થાના વિદ્યાર્થી ચૌહાણ પ્રિયરાજસિંહ એ સોલાર પ્રોજેક્ટ ને લઈને ભાગ લીધેલ જેને રાજ્યકક્ષાએ 1st નંબર મેળવેલ અને રાષ્ટ્રીયકક્ષાએ પણ આ પ્રોજેક્ટને 1st નંબર મેળવેલ છે. જે અમારી સંસ્થા માટે ખૂબજ ગૌરવની બાબત છે.
આ સંસ્થામાં દાખલ થયેલા લાભાર્થીઓને બધીજ સગવડો લોજીંગ,બોર્ડીંગ,હોસ્ટેલ તથા એજ્યુકેશન મટીરીયલ્સ યુનિફોર્મ તથા રોજ બ રોજ વપરાતી જીવન જરૂરીયાતની વસ્તુઓ તથા મેડીકલ સર્વિસીસ ૧૦૦% નિ:શુલ્ક આ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવે છે કુદરતે પણ જેમની સાથે અન્યાય કર્યો છે તેવા બાળકો નો સર્વાંગી વિકાસ સાધી સમાજમાં આર્થિક રીતે શ્રધ્ધર થઈ અને સરસ રીતે જીવન જીવી શકે તેવી સગવડો ઊભી કરવામાં અને તેનો લાભ લાભાર્થીઓને મળે તે માટે અમો સૌ કટીબધ્ધ છીએ અને સમાજને એટલું જણાવવા માંગીએ છીએ કે આ દિવ્યાંગ બાળકો પ્રત્યે હમદર્દી રાખી અને એમનું જીવન સફળ બને સર્વાંગી વિકાસ થાય તે માટે તેમને પુરેપરી તકો મળે તે કરવાની અમારી નૈતિક ફરજ સમજીએ છીએ કુદરતે અમને આ બાળકોની સેવા કરવાનો જે મોકો આપ્યો છે તેને યથા યોગ્ય રીતે પુરો પાડીશું અને જેનાથી અમને સર્વેને આત્મ સંતોષ મળે છે તે વાત ચોક્કસ છે.
આ સંસ્થાનું સંચાલન સને ૧૯૮૭ થી આજ સુધી મારી લીડરશીપ નીચે અમારી સમગ્ર કારોબારીના સભ્યો તથા લા. મનુભાઈ વી. પટેલ (માનદ્દમંત્રી) તથા લા. ભાવેશભાઈ બી જ્યસ્વાલ (માનદ્દમંત્રી) તરીકેની સેવાઓ ખૂબ ઉત્સાહથી પૂરી પાડી રહ્યા છે. તેમજ શ્રી પરીનભાઈ જોષી ની કામગીરી સંસ્થાના એક અદના સેવક તરીકેની છે. તો આ સર્વેનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.
આપ કોઈપણ સમયે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં પધારવાનું બને તો અમારી સંસ્થામાં આપના પગલા પાડી અને સંસ્થાનો રૂબરૂ અનુભૂતિ કરાવવા માટેનો અમને ચોક્કસ થી લાભ આપશો તો આપને અમારી સંસ્થામાં આવકારતા ખુબજ હર્ષની લાગણી અનુભવીશું એજ આભાર સાથે.
પ્રમુખ શ્રી
લાયન્સ ક્લબ સોસાયટી, મોડાસા